ભારતીય સેનાની મિસાઈલ પાકિસ્તાનમાં 124 KM અંદર જઈને પડી; ભારતે કહ્યું ભૂલથી જતી રહી

- 9 માર્ચ 2022નાં રોજ રૂટીન મેઈન્ટન્સ દરમિયાન ટેક્નિકલ કારણોને લઈને આ ઘટના ઘટી
- સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેતા કોર્ટ ઓફ ઈન્કવાયરીના ઓર્ડર આપી દીધા છે
ભારતીય રક્ષા મંત્રાલયે સ્વીકાર કર્યો છે કે 9 માર્ચે ભારતની એક મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં 124 કિલોમીટર અંદર પડી હતી. ડિફેન્સ મિનિસ્ટ્રીએ શુક્રવારે સાંજે નિવેદન જાહેર કરી કહ્યું- આ ઘટના ‘એક્સીડેન્ટલ ફાયરિંગ’ ના કારણે થયું. 9 માર્ચ 2022નાં રોજ રૂટીન મેઈન્ટન્સ દરમિયાન ટેક્નિકલ કારણોને લઈને આ ઘટના ઘટી. સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેતા કોર્ટ ઓફ ઈન્કવાયરીના ઓર્ડર આપી દીધા છે. ઘટનાને લઈને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સારી વાત એ છે કે આ એક્સીડેન્ટલ ફાયરિંગના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ.
કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો
પાકિસ્તાની સેનાએ મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડીજી મેજર જનરલ બાબર ઈફ્તિખારે ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. બાબરે કહ્યું હતું- ભારત તરફથી જે વસ્તુ અમારા દેશ પર છોડવામાં આવી છે તેને તમે સુપર સોનિક ફ્લાઈંગ ઓબ્જેક્ટ કે મિસાઈલ કહી શકો છો. જેમાં કોઈ પણ પ્રકારના હથિયાર કે દારુગોળો ન હતો. પરિણામે કોઈ પણ પ્રકારની નુકસાની નથી થઈ.
બાબરની પ્રેસ કોન્ફરન્સ પહેલાં પાકિસ્તાની મીડિયામાં એવા સમાચાર હતા કે ભારતનું કોઈ પ્રાઈવેટ એરક્રાફ્ટ મિયાં ચન્નૂ વિસ્તારમાં ક્રેશ થયું છે. પાકિસ્તાની સેના પણ ઘટનાસ્થળ તરીકે મુલતાનની પાસે આવેલા મિયાં ચન્નૂને જ જણાવતા હતા.

બાબરનું નિવેદન
DG ISPRએ કહ્યું- 9 માર્ચે સાંજે 6.43 વાગ્યે અત્યંત ઝડપથી એક મિસાઈલ ભારત તરફથી પાકિસ્તાન તરફ છોડવામાં આવી. અમારા એર ડિફેન્સ સિસ્ટમે તેને ઝડપી પાડી પરંતુ તે એકદમ સ્પીડમાં મિયાં ચન્નૂ વિસ્તારમાં પડી. ભારતથી પાકિસ્તાન પહોંચવામાં તેને 3 મિનિટ લાગ્યા. કુલ 124 કિલોમીટરનું અંતર કાપ્યું. 6.50 વાગ્યે આ ક્રેશ થઈ. કેટલાંક ઘર અને પ્રોપર્ટીઝને નુકસાન થયું છે. આ મિસાઈલ ભારતના સિરસાથી છોડવામાં આવી હતી.
ફ્લાઈટ મેપની જાણકારી મળી
બાબરે કહ્યું- અમારી ટીમે આ મિસાઈલના ફ્લાઈટ રૂટની ભાળ મેળવી લીધી છે. આ ઘણું જ ખતરનાક પગલું છે, કેમકે જે સમયે આ મિસાઈલ ફાયર કરવામાં આવી તે સમયે ભારત અને પાકિસ્તાન એરસ્પેસમાં અનેક ફ્લાઈટ ઓપરેશનલમાં હતી અને કોઈ મોટી દુર્ઘટના પણ ઘટી શકી હોત. અમે આ મુદ્દાને ગંભીરતાથી લઈએ છીએ અને ભારત સમક્ષ માગ કરીએ છીએ કે આ અંગે તેઓ સીધો જવાબ આપે. આ પહેલાં તેમની સબમરીન્સ કરાચી પાસે જોવા મળી હતી. હાલ અમે ભારતના જવાબની રાહ જોઈ રહ્યાં છીએ. જે બાદ જ ડીટેઈલ્સ આપવામાં આવશે. હવે ભારતે પુષ્ટિ કરી છે કે આ મિસાઈલ ભૂલથી ફાયર થઈ ગઈ હતી.
કઈ મિસાઈલ હતી
પાકિસ્તાનના જર્નાલિસ્ટ મોહમ્મદ ઈબ્રાહિમ કાઝીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ભારતથી છોડવામાં આવેલી મિસાઈલનું નામ બ્રહ્મોસ છે. તેની રેન્જ 290 કિલોમીટર છે. ઈન્ડિયન એરફોર્સ તેનો સ્ટોક રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રાખે છે. જો કે પાકિસ્તાન સેનાનો દાવો છે કે આ મિસાઈલ હરિયાણાના સિરસાથી છોડવામાં આવી.
બ્રહ્મોસ પર એક નજર
- બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રુઝ મિસાઈલ છે, જેને સબમરિન, શિપ, એરક્રાફ્ટ કે જમીન પરથી છોડી શકાય છે. બ્રહ્મોસ મિસાઈલનું નામ ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્ક્વા નદીઓના નામોને જોડીને રાખવામાં આવ્યું છે.
- બ્રહ્મોસ રશિયાની P-800 ઓકિંસ ક્રુઝ મિસાઈલ ટેક્નોલોજી પર આધારીત છે. આ મિસાઈલને ભારતીય સેનાના ત્રણેય અંગ આર્મી, નેવી અને એરફોર્સને સોંપવામાં આવી છે.
- બ્રહ્મોસ મિસાઈલના અનેક વર્ઝન છે. બ્રહ્મોસને લેન્ડ લોન્ચ, શિપ લોન્ચ, સબમરિન લોન્ચ, એર લોન્ચ વર્ઝના ટેસ્ટિંગ થઈ ગયા છે.
- જમીન કે સમુદ્રમાંથી છોડવામાં આવેલી બ્રહ્મોસ 290 કિલોમીટરની રેન્જમાં મેક 2 સ્પીડથી (2500 કિમી/કલાક)ની સ્પીડે પોતાના ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી શકે છે.
- સબમરિનથી બ્રહ્મોસ મિસાઈલને પાણીની અંદરથી 40-50 મીટરની ઊંડાણથી છોડી શકાય છે. સબરમિનથી બ્રહ્મોસ મિસાઈલ છોડવા અંગેનું ટેસ્ટિંગ 2013માં થયું હતું.