આ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગ થાય તો ડબલ દંડ વસૂલવા આદેશ, જાણો, કાયદામાં પણ છે આવી જોગવાઇ

પોલીસકર્મી સરકારી વાહન ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ બાંધતા નથી
મોટર વાહન કાનુન હેઠળ કાર્યવાહી કરવામાં હોદો ધ્યાનમાં નહી રાખવા આવે
ટ્રાફિકભંગ કરનારા લોકોને દંડવા માટે પોલીસ હોય છે પરંતુ ટ્રાફિક નિયમ તોડે તો તેમને કોણ દંડ કરશે? લોકો ઘણી વાર બળાપો પણ કાઢતા હોય છે પરંતુ ભારતના આ મેટ્રો શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ પોલીસ કરશે તો પણ સ્થળ પર દંડ વસૂલવામાં આવશે એટલું જ નહી આ દંડની રકમ આમ નાગરિક કરતા બમણી હશે.
આવો નિયમ પાટનગર દિલ્હીમાં નકકી કરવામાં આવ્યો છે. પોલીસખાતાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવ્ચું હતું કે જો પોલીસ કર્મીઓ પણ સરકારી વાહન ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ બાંધતા નથી એટલું જ નહી ઇમરજન્સીના બહાને ટ્રાફિક ભંગ કરે છે. દિલ્હીના એડિશનલ કમિશ્નર ઓફ ટ્રાફિક દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસકર્મીઓને સંશોધિત મોટર વાહન કાનુનથી વાકેફ થવાની જરુર છે
જેમાં પોલીસકર્મીઓ દ્વારા ટ્રાફિક નિયમ તોડવા બદલ બમણા દંડની પણ જોગવાઇ છે. આથી જો દંડથી બચવું હોયતો ટ્રાફિક શિસ્તનું ખુદે પણ કડક રીતે પાલન કરવું પડશે. એટલું જ નહી ટ્રાફિક ભંગ કરનારા પોલીસકર્મી પર મોટર વાહન કાનુન હેઠળ કાર્યવાહી કરવામાં હોદો ધ્યાનમાં રાખવામાં ન આવે એવી પણ સૂચના આપવામાં આવી છે.