મુંબઈ મેટ્રો-7 માટે ટિકિટના લઘુતમ દર 10 રૂપિયા કરાશે

- વ્યવસ્થાપન અને મેટ્રો ચલાવવાની જવાબદારી એક સ્વતંત્ર યંત્રણાને
ટૂંક સમયમાં શરૂ થનાર મુંબઈ મેટ્રો-7 માટે ટિકિટના દર મુંબઈ મહાનગર વિકાસ પ્રાધિકરણે લગભગ નક્કી કર્યા છે. આ ટિકિટના લઘુતમ દર 10 રૂપિયા હશે એવી માહિતી એમએમઆરડીએના આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે આપી હતી. આ રૂટ પર ફેઝ 1 એટલે કે દહિસરથી આરે કોલોની દરમિયાન મેટ્રો શરૂ કરવામાં આવશે.
મેટ્રો-7નું કામ અંતિમ તબક્કામાં છે. મુંબઈ મેટ્રો-7 દ્વારા પ્રવાસી પરિવહન શરૂ કરવા માટે જરૂરી તમામ પરવાનગી, પ્રમાણપત્ર મળશે એટલે કે એક મહિનામાં રૂટ શરૂ કરવામાં આવશે. મેટ્રો-7 અને મેટ્રો-2એ રૂટ પર સહિયારી રીતે પહેલા ફેઝમાં 20 કિલોમીટર માર્ગ પર ટ્રેન શરૂ કરવામાં આવશે. આ રૂટના બીજા તબક્કામાં 15 કિલોમીટર છે અને કુલ 35 કિલોમીટરનો રૂટ ઝટ શરૂ કરવામાં આવશે. મેટ્રો-2એનું કામ પણ અંતિમ તબક્કામાં છે.

મેટ્રો-2એ રૂટ આવો છે
મેટ્રો-2એ દહિસર પશ્ચિમથી ડી.એન.નગર સ્ટેશન સુધી 18.5 કિલોમીટર લાંબો રૂટ છે. આ રૂટ પર દહિસર પૂર્વ, અપર દહિસર, કાંદરપાડા, મંડપેશ્વર, એક્સર, બોરીવલી પશ્ચિમ, શિંપોલી, કાંદિવલી પશ્ચિમ, ધનુકરવાડી, વલણઈ, મલાડ પશ્ચિમ, લોઅર મલાડ, પહાડી ગોરેગાવ, ગોરેગાવ પશ્ચિમ, ઓશિવરા, લોઅર ઓશિવરા અને ડી.એન.નગર સ્ટેશન છે.
મેટ્રો-7ના સ્ટેશન
મેટ્રો-7 રૂટ પર 14 સ્ટેશન છે. દહિસર પૂર્વ, ઓવરીપાડા, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન, દેવીપાડા, માગાઠાણે, પોઈસર, આકુર્લી, કુરાર, દિંડોશી, આરે, ગોરેગાવ પૂર્વ (મહાનંદ ડેરી), જોગેશ્વરી પૂર્વ (જેવીએલઆર જંકશન), શંકરવાડી, ગુંદવલી (અંધેરી પૂર્વ)નો એમાં સમાવેશ છે.