એક ટ્રેનમાં રેલવેમંત્રી, બીજીમાં રેલવે બોર્ડ ચેરમેન; બંને એક જ ટ્રેક પર, 300 મી.ના અંતરે ‘કવચ’થી ટ્રેન રોકાઈ

સિકંદરાબાદમાં ટ્રાયલ, આ વર્ષે 2000 કિ.મી. ટ્રેક કવચથી સજ્જ થશે

સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી થોડે દૂર ચિટ્ઠી ગુડ્ડા અને ગુલ્લા ગુડ્ડા રેલવે સ્ટેશનો વચ્ચે એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી રહી હતી અને લોકો પાઇલટે બ્રેક ન મારી હોવા છતાં ટ્રેન થંભી ગઇ. ટ્રેનના એન્જિનમાં લાગેલી કવચ પ્રણાલીએ બંને ટ્રેન વચ્ચે 300 મીટરનું અંતર હતું ત્યારે જ તેમને અટકાવી દીધી. તેમાંથી એક ટ્રેનમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને બીજીમાં રેલવે બોર્ડના ચેરમેન વી. કે. ત્રિપાઠી સવાર હતા.

વાત એમ છે કે રેલવે ટ્રેન ટક્કર પ્રતિકારક પ્રણાલી ‘કવચ’નું ટ્રાયલ રન કરાઇ રહ્યું હતું. આ પ્રણાલી હવે દેશભરમાં લાગુ કરવાની તૈયારી છે. અત્યાર સુધીમાં દક્ષિણ-મધ્ય રેલવેમાં 936 કિ.મી.નો ટ્રેક આ સિસ્ટમથી સજ્જ કરી દેવાયો છે. પ્રથમ તબક્કામાં 264 કિ.મી.ના ટ્રેક પર કવચ પ્રણાલી લાગુ કરવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ દિલ્હી-હાવરા અને દિલ્હી-મુંબઇના 3 હજાર કિ.મી. રૂટ પર કવચ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે, જે દેશના સૌથી વ્યસ્ત રૂટ છે.

રેલવેમંત્રીએ કહ્યું કે જે ટ્રેન અને ટ્રેક પર કવચ લાગી જશે તે રૂટ પર સમયની બચત થવા ઉપરાંત દુર્ઘટનાની શક્યતા પણ લગભગ દૂર થઇ જશે. આ વર્ષે 2 હજાર કિ.મી.નો ટ્રેક કવચથી સજ્જ કરવા બજેટ મળી ચૂક્યું છે. આવતા વર્ષે આવા 4 હજાર કિ.મી. અને તે પછી દર વર્ષે 5 હજાર કિ.મી. ટ્રેક તૈયાર થશે. વિદેશોમાં આ સિસ્ટમ લાગુ કરવા પાછળ કિ.મી. દીઠ દોઢ કરોડથી બે કરોડ રૂ. ખર્ચ થાય છે પણ આપણી સ્વદેશી ટેક્નોલોજીથી તે કામ કિ.મી. દીઠ 40 લાખથી 50 લાખ રૂ.માં થઇ રહ્યું છે. 200 કિ.મી.ની સ્પીડ સુધી ટ્રાયલ થશે હાલ કલાકના 130 કિ.મી.ની ઝડપે ટ્રાયલ કરાઇ છે, જે ટૂંક સમયમાં 160 કિ.મી.ની અને ત્યાર બાદ 200 કિ.મી.ની ઝડપે કરવાની તૈયારી છે.

શું છે કવચ ટેક્નોલોજી? | હાઇ ફ્રીક્વન્સી રેડિયો કોમ્યુનિકેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરે છે. ટ્રેક પર આરએફઆઇડી ટેગ લગાવાય છે. ત્યાંથી ઇન્ટરલૉકિંગ થતા રેલવે સ્ટેશન પર બનેલા કંટ્રોલરૂમમાં અને કંટ્રોલરૂમમાંથી ટ્રેનના એન્જિનમાં લાગેલી કવચ સિસ્ટમ સુધી મેસેજ જાય છે. એકસાથે એક સ્ટેશનથી 50 ટ્રેનને કવચ સિસ્ટમમાં મેસેજ જઇ શકે છે અને તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.