બજેટ સત્રના પહેલા જ દિવસે ગૃહમાં રૂપાણી અને ગોવિંદ પટેલ છવાઈ ગયા, ભાજપ અને કૉંગ્રેસના ધારાસભ્યો મળવા દોડી ગયા

વિધાનસભાના બજેટ સત્રમાં પ્રથમ દિવસે જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના તમામ ધારાસભ્યો તેમની જગ્યા પાસે પહોંચી ગયા હતા હતા, અને હાથ જોડી નમસ્કાર કર્યા હતા. એટલું જ નહીં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને તો નીતિન પટેલે પોતાની પાસે બોલાવી ગુફતેગુ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.
પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓ રૂપાણી પાસે ટોળે વળ્યા
ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પ્રવેશી પોતાનું સ્થાન લેતા જ ભાજપના તો ઠીક કોંગ્રેસના ધારાસભ્યો પણ રૂપાણીને મળવા પહોંચી ગયા હતા અને ગૃહમાં રાજ્યપાલનું પ્રવચન પૂરું થયા બાદ 15 મિનિટના વિરામ સમયે પણ પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓ અને રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ પણ વિજય રૂપાણીને મળવા માટે ટોળે વળી ગયા હતા.
ધાનાણીએ રૂપાણીના ખબર-અંતર પૂછ્યા
સૌથી મહત્વની બાબત એ હતી કે,કોંગ્રેસના ધારાસભ્યો પણ વિજય રૂપાણીને મળવાની તક ચૂક્યા ન હતા. જેમાં પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ વિજય રૂપાણીને વિધાનસભા ગૃહમાં જ હાથ મિલાવીને ખબર-અંતર પૂછ્યા હતા.
તો બીજી તરફ વિજય રૂપાણીની પડખે બેઠેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગોવિંદભાઈ પટેલને તેમની બેઠક ઉપરથી બોલાવીને ગુફતેગુ કરતાં નજરે ચઢ્યા હતાં. આ દરમ્યાન ગૃહમાં ટૂંકા વિરામ સમયે વિજય રૂપાણી, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ઘનાણી ઉપરાંત ભાજપના કેટલાક મંત્રીઓએ પણ ગોવિંદ પટેલ સાથે વાતચીત કરી હતી.