અમદાવાદ@ ‘611’:અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું પછી વિદેશીઓને ઘેલું લાગ્યું, શહેરના આ 5 સ્થળો સહેલાણીને વધુ પસંદ પડ્યાં

- વિદેશી સહેલાણીઓ શહેરના ઐતિહાસિક ધાર્મિક સ્થળોનો ઈતિહાસ જાણવામાં સૌથી વધુ રસ ધરાવે છે
- પોળના મકાનોની કોતરણી અને બનાવટ ચાલતાં ચાલતાં નિહાળે છે
અમદાવાદ શહેર આજે 611 વર્ષની સફર પુરી કરશે. કાપડ ઉદ્યોગ માટેના માનચેસ્ટરના બિરૂદથી લઈ અમદાવાદ આજે સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરીટેજ શહેરના દરજ્જા સુધી પહોંચ્યુ છે. શહેરના હેરિટેજ મકાનો, ફરવા લાયક સ્થળો અને ખાસ કરીને જુનુ અમદાવાદ જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. શહેરમાં વિદેશથી આવતાં લોકોને અમદાવાદમાં ક્યાં ફરવું અને કઈ હોટેલમાં રહેવું વધુ પસંદ છે એવા સ્થળો વિશે દિવ્યભાસ્કરે ખાસ અહેવાલ તૈયાર કર્યો છે.
પોળના લોકો સાથે રહેવું અને જમવું વિદેશીઓને વધુ પસંદ છે
વિદેશથી લોકો શહેરમાં આવે ત્યારે શહેરની પોળોમાં રહેલા હેરિટેજ મકાનોની બનાવટને ચાલીને જોતા હોય છે. તેમને પોળોના મકાનોમાં રહેવાની મજા આવે છે. આ મકાનોની બનાવટ તથા તેના ઈતિહાસને જાણવા તેઓ આતુર હોય છે. તેમને પોળના મકાનોમાં રહેતા લોકો સાથે રહેવું અને જમવું વધારે ગમે છે. લોકોની સાથે રહીને પરંપરાઓ અને મહેમાનગતીને માણે છે. શહેરમાં રહેલી જુની અને જાણિતી રેસ્ટોરન્ટમાં તેઓ જમવા જવાનું પણ પસંદ કરતાં હોય છે. ટુંકમાં જ્યારે પણ તેઓ અમદાવાદમાં આવે ત્યારે સૌથી પહેલાં શહેરમાં જોવાલાયક સ્થળો અને રહેવા જમવાની ઉત્તમ જગ્યાઓની પહેલાંથી જ માહિતી મેળવી લેતા હોય છે.
પોળની જુના મકાનોની બનાવટ વિશે માહિતી મેળવે છે
અમદાવાદના ખાડિયામાં મોટા સુથારવાડામાં રહેતા જગદીપ મહેતાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,જ્યારથી શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છેત્યારથી જુના અમદાવાદમાં વિદેશી લોકોને ઘેલું લાગ્યું છે. વિદેશથી આવનારા લોકોને પોળમાં રહેતા લોકો સાથે રહેવું ગમે છે. પોળમાં રહેતા લોકોની રહેણીકરણી જોઈને તેઓ તેમની સાથે રહેવા તૈયાર થઈ જતાં હોય છે.પોળના જુના મકાનો અને તેની બનાવટ વિશે તેઓ જાણકારી મેળવતા હોય છે.
રતનપોળ અને માણેકચોક સહેલાણીઓનું હોટ ફેવરિટ
સેપ્ટ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા પ્રોફેસર સી.એન.રાયે પણ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાંકરિયા, સેપ્ટ યુનિવર્સિટી, IIMનું બાંધકામ, હેરિટેજ હોટેલમાં જમવાનું, સીદી સૈયદની જાળી, સરખેજના રોઝા, રાણી સિપ્રીની મસ્જિદ અને હઠીસિંહના દેરા જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત લેતાં હોય છે. તે ઉપરાંત જુના અમદાવાદમાં એવા અનેક જૈન દેરાસર છે જેની કોતરણી અને બનાવટ વિશે જાણવા વિદેશથી આવનારા લોકો આતુર હોય છે. શહેરનું કેમ્પ હનુમાનનું મંદિર, જગન્નાથ મંદિર જેવા ધાર્મિક સ્થળો પણ તેમને આકર્ષે છે. જુના અમદાવાદમાં રતનપોળનું માર્કેટ અને માણેકચોકનું માર્કેટ પણ તેમની ફરવા માટેની પ્રથમ પસંદગી હોય છે.