Ukraine War: કીવ પર હુમલો, રાત સુધીમાં ખેલ ખતમ કરવાની રશિયાની તૈયારી

યુક્રેન રશિયા સામે પ્રત્યક્ષ બાથ ભીડી શકે તેટલું સક્ષમ નથી તે વાત સમગ્ર દુનિયા જાણે છે. યુક્રેને પણ નાટો દેશો અને ખાસ કરીને અમેરિકા તરફથી સંરક્ષણની ખાતરી એ જ રશિયા સામે મોરચો માંડ્યો હતો. જોકે, ચાલાક પુતિને નાટો કે અન્ય કોઈ પણ દેશ કે સંસ્થા સ્થિતિ સમજે અને યુક્રેનની મદદે આવે તે પહેલા જ યુદ્ધની જાહેરાત કરી દીધી હતી. યુક્રેન સ્વબળે જ છેલ્લા 50 કલાકથી રશિયન સૈન્યનો સામનો કરી રહ્યું છે. જેના ભરોસે યુક્રેને યુદ્ધ કરવાનું વિચાર્યું હતું તેવા અમેરિકાએ પીછેહઠ કરી દીધી અને નાટો દેશો માત્ર બેઠકોના જ વાયદા આપી રહ્યું છે.
રશિયાએ યુક્રેનને માત્ર પોતાની સરહદેથી જ નહીં પરંતુ બેલારૂસ તરફથી પણ હુમલો કરીને ચોંકાવી દીધું છે. યુક્રેનની સૈન્ય તાકાત ઓછી હોવાથી તમામ મોરચે રશિયા સામે લડી શકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

તાજેતરના એક અહેવાલ અનુસાર રશિયન સેના કીવમાં અંદર ઘૂસી રહી છે. યુક્રેનના નાયબ સંરક્ષણ પ્રધાને એક નિવેદનમાં કહ્યું છે કે, રશિયાની મિલિટ્રી ઓબોલોનના રસ્તે કીવ પર આક્રમણ કરી રહી છે. કીવના ઉત્તર પૂર્વ તરફથી રશિયાની મિલિટ્રી યુક્રેનની રાજધાનીને બાનમાં લઈ રહી છે.
ભારતીય સમયાનુસાર મોડી રાત સુધીમાં રશિયા સંપૂર્ણ તાકાત સાથે યુક્રેનની રાજધાની અને રાજકીય મથક કીવનો કબજો મેળવી લેશે તેવી પણ આશંકા છે.
યુક્રેન કોઈ પણ પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરે તે માટે મિલિટ્રી બેઝ બાદ હવે યુક્રેનના મુખ્ય પરમાણુ મથક ચેર્નોબીને હસ્તગત કરી લીધું છે. રશિયાના પેરા ટ્રૂપર્સ ચેર્નોબી પરમાણુ મથકમાં ઉતરી ગયા છે.