NSEના યોગી પકડાયા, આ મહાશય જ નીકળ્યાં ચિત્રાના ગુમનામ બાબા

ભારતના ફાઈનાન્શિયલ સેક્ટરના સૌથી ચર્ચાસ્પદ નેશનલ સ્ટોક એક્સચેન્જના કો-લોકેશન કાંડ બાદ માર્કેટમાં આવેલ યોગી બાબા કોણ છે તે અંગે સૌકોઈને સવાલ હતો. તપાસ એજન્સીઓ પણ ભારતના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ કાંડમાં આ યોગીની ભૂમિકા અને પડદા પાછળના વ્યક્તિને શોધવા પ્રયાસ કરી હતી.
સીબીઆઈએ આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં થયેલી ગરબડ મામલે આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈના અધિકારીઓએ શુક્રવારે સવારે આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્રકરણમાં અનેક પ્રકારની ગોલમાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
કોણ છે યોગી ?
સીબીઆઈના સૂત્રોએ આપેલ માહિતી અનુસાર એક અહેવાલમાં જણાવાયું છે કે ચિત્રાના ગુરૂ અને એનએસઈના પથપ્રદર્શક બનેલ ગુમનામ યોગી બાબા બીજું કોઇ નહિ પરંતુ એનએસઈના પૂર્વ સીઓઓ આનંદ સુબ્રમણ્યમ જ છે. આજે કરેલ ધરપકડમાં કડકાઈથી પૂછપરછ કરાતા સુબ્રમણ્યમે આ વાત સ્વીકારી હોવાની માહિતી સૂત્રોએ આપી છે.
યોગી કોણ છે તેની જાણ અગાઉ સેબીને કરાઈ હતી :
દરમિયાન એનએસઈના પૂર્વ ચેરમેન અશોક ચાવલાએ જુલાઈ 6, 2018માં એક પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે આનંદ સુબ્રમણ્યમ જ આ શંકાસ્પદ યોગી છે. ચાવલાના પત્ર અનુસાર આનંદ સુબ્રમણ્યમ જ જે ડેસ્કટોપ કોમ્યુયુટરનો ઉપયોગ કરત હતા તેમાં જ શિરોમણી.10 નામનું સ્કાઈપ એકાઉન્ટ હતુ જે એકાઉન્ટનો ઉપયોગ યોગી તરફથી કરવામાં આવતો હતો.
આ ઉપરાંત rigyajursama@outlook.com જેના થકી ચિત્રા રામાકૃષ્ન સાથે સંપર્કમાં રહેતા હતા તેનો ઉપયોગ પણ આનંદ સુબ્રમણ્યમ દ્વારા આ કોમ્પયુટરમાંજ થતો હતો. ચાવલાએ આ પત્ર સેબીના સભ્ય એમપી બુચને લખ્યો હતો.
ચેન્નાઈથી ધરપકડ
સીબીઆઈએ આનંદની ચેન્નાઈ ખાતેથી ધરપકડ કરી છે. અધિકારીઓના કહેવા પ્રમાણે આ ધરપકડ એનએસઈ કો-લોકેશન સ્કેમને લઈને કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એનએસઈમાં જે ગોલમાલ થઈ તે મામલે આ અત્યાર સુધીની સૌ પ્રથમ ધરપકડ છે. આનંદ સુબ્રમણ્યમની ગુરૂવારે રાતે તેના ચેન્નાઈ ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેને સીબીઆઈના દિલ્હી સ્થિત મુખ્યાલય લઈ જવાની તૈયારી કરવામાં આવી અને ત્યાર બાદ તેને કસ્ટડી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ રીતે થયું કો-લોકેશન સ્કેમ
એનએસઈ કો-લોકેશન સ્કેમમાં કેટલાક પસંદીદા બ્રોકર્સને ખોટી રીતે ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, ઓપીજી સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મને ફાયદો પહોંચાડવા માટે તેને કો-લોકેશન ફેસિલિટીઝની એક્સેસ આપવામાં આવી હતી. આ ફેસિલિટીમાં બ્રોકર્સને અન્યની સરખામણીએ થોડા સમય વહેલા તમામ ડેટા મળી જાય છે. સીબીઆઈના મતે આ રીતે એનએસઈ પર કરોડોની ગોલમાલ કરવામાં આવી છે. આ સ્કેમ એ સમયે જ શરૂ થયું હતું જ્યારે ચિત્રા નંબર-2ની હેસિયતથી પ્રમોટ થઈને નંબર-1 બનવાની ખૂબ જ નજીક હતી. ચિત્રા સીઈઓ બની ત્યાર બાદ પણ આ સ્કેમ ચાલતું રહ્યું અને ત્યારે આનંદ તેનો કરીબી સહયોગી બની ગયો હતો. સીબીઆઈ આ મામલે અજ્ઞાત યોગીનું કનેક્શન શોધી રહી છે જેના ઈશારે ચિત્રા એનએસઈના તમામ નિર્ણયો લઈ રહી હતી.
સેબીના આદેશમાં મળી આ જાણકારી
સેબીના એક વર્તમાન આદેશ બાદ આ સમગ્ર જાણકારી ખુલીને સામે આવી હતી. સેબીના આદેશ પ્રમાણે 2013માં એનએસઈની તત્કાલીન સીઈઓ એન્ડ એમડી ચિત્રા રામકૃષ્ણાએ આનંદ સુબ્રમણ્યમને ચીફ સ્ટ્રેટેજી ઓફિસરના પદે હાયર કર્યો. એનએસઈમાં આવ્યો તે પહેલા આનંદ સુબ્રમણ્યમ 15 લાખ રૂપિયાની નોકરી કરી રહ્યો હતો. એનએસઈમાં તેને 9 ગણા કરતાં પણ વધુ 1.38 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. ત્યાર બાદ તેને સતત પ્રમોશન મળ્યું અને થોડા સમયમાં જ તે ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર (GOO) બની ગયો હતો.