યુક્રેન પર આક્રમણનો રશિયાના લોકો જ વિરોધ કરી રહ્યા છે, 54 શહેરોમાં દેખાવો, 1700ની અટકાયત

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની આખી દુનિયામાં ટીકા થઈ રહી છે.દુનિયાના મોટાભાગના દેશો રશિયન રાષ્ટ્રપતિ પુતિનને વિલન ગણાવી રહ્યા છે ત્યારે રશિયામાં પણ પુતિનનો લશ્કરી કાર્યવાહી બદલ વિરોધ થઈ રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે રશિયાના 54 શહેરોમાં યુક્રેન પરના આક્રમણના વિરોધમાં દેખાવો થયા છે.1700 લોકોની પોલીસે અલગ અલગ શહેરોમાં અટકાયત કરી છે.
પુતિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપી હતી તે સાથે જ સોશિયલ મીડિયા પર રશિયાના લોકો વિરોધ કરવા માંડ્યા હતા.આવી સેંકડો પોસ્ટ સોશિયલ મીડિયા પર દેખાઈ રહી હતી.

મોસ્કોની એક્ટિવિસ્ટ તાત્યાના ઉસ્માનોવાએ સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, હું તો યુક્રેન પર હુમલાની ખબર જોઈને હેરાન થઈ ગઈ હતી.હું યુક્રેનના લોકોની માફી માંગુ છું.
રશિયાના કેટલાક લોકોએ હુમલાને રોકવા માટે રાષ્ટ્રપતિ પુતિનને ઓપન લેટર લખ્યો છે અને ઓનલાઈન પિટિશન પર લોકો સહી કરી રહ્યા છે.

રશિયાના હ્યુમન રાઈટસ એડવોકેટ લેવ પોનોમેવયોવની પિટિશન પર સાડા ત્રણ લાખ રશિયન્સ સહી કરી ચુકયા છે.250 જેટલા પત્રકારોએ પુતિનને પત્ર લખીને આક્મરણનો વિરોધ કર્યો છે.250 વૈજ્ઞાનિકો પણ તેમાં જોડાયા છે.
મોસ્કો થીયેટરની ડાયરેકટર યેલેને કોવાલ્સકાયાએ પોતાની પોસ્ટ પરથી રાજીનામુ આપવાની જાહેરાત કરીને કહ્યુ છે કે, એક હત્યારા માટે કામ કરવુ મારા માટે શક્ય નથી.

રશિયામાં થઈ રહેલા દેખાવો સામે સરકાર કડક હાથે કામ લઈ રહી છે.સરકારે લોકોને કારણ વગર દેખાવો કરવા સામે ચેતવણી આપી છે અને સાથે સાથે મીડિયાને કહેવામાં આવ્યુ છે કે, રશિયાની સરકાર દ્વારા જાહેર કરાતા વિડિયો અને જાણકારીને જ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે.
આ 10 તસવીરોમાં જુઓ ન્યુયોર્ક, પેરિસ, બુડાપેસ્ટ, ટોક્યો, બર્લિનથી લઇને મોસ્કો સુધી લોકો કેવી રીતે યુક્રેન પર રશિયાની મિલિટરી એક્શનનો વિરોધ કરી રહ્યા છે.

ન્યુયોર્કમાં યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનનો વિરોધ કરતા લોકો. તેમણે રશિયાને તાત્કાલિક હુમલો રોકવાની માગ કરી છે

જર્મનીના બર્લિનમાં બ્રૈડેનબર્ગ ગેટની સામે સેકન્ડો લોકોએ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓમાં મહત્તમ રશિયાના લોકો જ હતા

પેરિસમાં પ્લેસ ડે લા રિપબ્લિકમાં ગુરુવારે રાત્રે લોકોએ પુતિનની કાર્યવાહીનો વિરોધ કર્યોં

પોલેન્ડના ક્રાકોમાં લોકોએ હાથમાં યુક્રેનનો ધ્વજ લઈને પુતિન વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને યુદ્ધ રોકવાની માગ કરી

જાપાનના ટોક્યોમાં ગુરુવારે જાપાની અને યુક્રેની લોકો સાથે નજરે આવ્યા. લોકોએ ગેટ આઉટ પુતિનના પોસ્ટરો લગાવ્યાં

ઓસ્ટ્રેલિયામાં રશિયા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન લોકોએ પુતિનની તુલના હિટલર સાથે કરી અને તેમને પુતલર કહ્યાં

હંગરીના બુડાપોસ્ટમાં હજારો લોકોએ રશિયન દુતાવાસની બહાર પ્રદર્શન કર્યું. હાથોમાં યુક્રેનના ધ્વજ લઈને આ લોકોએ રશિયાની કાર્યવાહીનો વિરોધ કર્યો

સ્વિત્ઝરલેન્ડના બર્નમાં યુક્રેની લોકોએ પ્રદર્શન કર્યું. તેમણે તાત્કાલિક હુમલા રોકવા અને રશિયા પર પ્રતિબંધ લગાવાની માગ કરી

રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં લોકોએ પુતિનના નિર્ણયનો વિરોધ કર્યો અને યુક્રેનથી સેનાને પરત બોલાવાની માગ કરી

મોસ્કોમાં ગુરુવારે રાતે પુતિનના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. લોકોએ કહ્યું કે યુદ્ધ શરુ કરી રશિયાએ પોતાને દુનિયાથી અલગ કરી દીધુ છે.

મોસ્કોમાં યુક્રેન પર હુમલાના વિરોધમાં લોકોએ જોરદાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન લગભગ 1400 લોકોની ધરપકડ કરવામાં આવી છે.