રશિયાની સંસદે દેશ બહાર લશ્કરી કાર્યવાહી માટે મંજૂરી આપી; મોડી રાત્રે રાષ્ટ્રપતિ બાઈડન પત્રકાર પરિષદ યોજશે,UKએ 5 બેન્ક પર પ્રતિબંધ મુક્યો


- યુક્રેન અમેરિકાની કોલોની, જ્યાં કઠપૂતળીની સરકારનું રાજઃ રશિયન રાષ્ટ્રપ્રમુખ
- યુક્રેનની યોજના પરમાણુ હથિયારો બનાવવાની છેઃ વ્લાદિમીર પુતિન
- અમેરિકાએ કહ્યું- રાષ્ટ્રપતિ પુતિનની જીદ્દથી હવે યુદ્ધનું સંકટ,
રશિયાની સંસદે છેવટે રશિયાની બહાર ઓપરેશન હાથ ધરવા માટે દેશના લશ્કરને મંજૂરી આપી હોવાની મીડિયા અહેવાલમાં માહિતી મળી છે. આ અગાઉ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાની સંસદ સમક્ષ દેશની બહાર લશ્કરી કાર્યવાહી માટે મંજૂરી માગી હતી. બીજી બાજુ રશિયા-યુક્રેન વચ્ચે વધતા સંકટની સ્થિતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતીય સમય પ્રમાણે 11:30 વાગે પત્રકાર પરિષદ યોજશે. તેઓ રશિયા સામે કડક આર્થિક પ્રતિબંધ તથા સૈન્ય કાર્યવાહીને લગતી કેટલીક જાહેરાત કરી શકે છે.
આ અગાઉ રશિયાએ યુક્રેનના બે પ્રાંત (લુહાંસ્ક-ડોનેટ્સ્ક)ને અલગ-અલગ દેશનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ બન્ને રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે લશ્કરને મોકલ્યું છે. અમેરિકા પણ રશિયાને ટક્કર આપવા માટે તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે-અમેરિકાએ રશિયા તરફથી ભરવામાં આવેલા પગલાને આંતરરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ ગણાવ્યા છે.
અમેરિકાએ કહ્યું છે કે હવે યુદ્ધનું જોખમ સર્જાયું છે. બ્રિટને પણ અમેરિકાની જેમ કડક વલણ અપનાવ્યું છે. બ્રિટને કહ્યું છે કે પુતિને તેની કિંમત ચુકવવી પડશે. અમે રશિયાની કંપનીઓ તથા લોકો પર પ્રતિબંધ લાદશું.આ નિવેદન બાદ ગણતરીની મિનિટમાં જ બ્રિટને રશિયાની પાંચ બેન્ક પર પ્રતિબંધ મુકી દીધો.આ પાંચ બેન્કમાં રોસિયા, IS બેન્ક, જનરલ બેન્ક, પ્રોમસ્યાઝ બેન્ક અને ધ બ્લેક સી બેન્કનો સમાવેશ થાય છે. જ્યારે પુતિને કહ્યું કે પશ્ચિમના દેશોની દરેક હરકતે તેમને યુક્રેનને બે હિસ્સામાં વિભાજીત કરવા મજબૂર કર્યા છે.
અમે ડરતા નથી-યુક્રેન PM
બીજી બાજુ રશિયાના ભડકાઉ નિર્ણય અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર જેલેન્કીએ કહ્યું- અમે રશિયાના પગલાથી ડરતા નથી. અમે કોઈની પાસેથી કંઈ લીધું નથી અને ન તો કોઈને કંઈ આપશું નહીં. જોખમ વચ્ચે અમારી આંતરરાષ્ટ્રીય સીમા યથાવત જ રહેશે. યુક્રેનના બે પ્રાંતને સ્વતંત્ર જાહેર કરનાર પુતિના પગલા બાદ UN સિક્યોરિટી કાઉન્સિલે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
રશિયાની સેનાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાન્સ્કમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને 13 કલાક (ભારતીય સમય મુજબ મોડી રાત્રે 3 વાગે) પહેલા જ યુક્રેનના આ બે પ્રાંતને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ રશિયન સેનાના ટેન્ક આ ક્ષેત્ર તરફ આગળ વધ્યા હતા. પુતિને કહ્યુ હતુ કે ડોનેત્સ્ક-લુહાન્સ્ક અને અલગાવવાદીઆના કબ્જાવાળા આ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે આમ કરવું જરુરી છે.
રશિયાએ યુક્રેનના બે પ્રાંત ડોનેત્સ્ક-લુહાન્સ્કને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે આની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે પુતિને ડોનેત્સ્ક-લુહાન્સ્ક અને અલગતાવાદીઓના કબજાવાળા વિસ્તારમાં સેનાની તહેનાતી શરૂ કરી દીધી છે. પુતિનના આ પગલા બાદ જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઈમર્જન્સી બેઠક બોલાવી છે, જે હજુ ચાલુ છે. ઈમર્જન્સી બેઠકમાં ભારતે રશિયાના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી.