બાઈડન વાતચીતની ઓફર કરતા રહ્યા અને રશિયાએ 11 જ કલાકમાં યુક્રેનના બે શહેરોને સ્વતંત્ર જાહેર કરી દીધા

રશિયાએ યુક્રેનના બે શહેરો ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર જાહેર કરીને અને ત્યાં શાંતિ અભિયાન માટે સેના મોકલવાની જાહેરાત કરીને અમેરિકાને ઉંઘતુ ઝડપી લીધુ છે.
પુતિનની ચાલમાં અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન માત ખાઈ ગયા છે.કારણકે ભારતીય સમય પ્રમાણે સોમવારે સવારે બાઈડન તંત્ર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, અમેરિકન પ્રમુખ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.અમેરિકા અંતિમ ક્ષણ સુધી પણ વાતચીત થકી મામલાનો ઉકેલ લાવવા પ્રતિબધ્ધ છે.
વ્હાઈટ હાઉસે કર્યુ હતુ કે, અમેરિકા અને રશિયાના વિદેશ મંત્રી વચ્ચે આ સપ્તાહમાં યુરોપમાં મુલાકાત થઈ શકે છે પણ શરત એટલી જ છે કે, રશિયા લશ્કરી કાર્યવાહી ના કરે.
તેના પર રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કાર્યાલયે કહ્યુ હતુ કે, બંને દેશના પ્રમુખો વચ્ચે ફોન પર કોઈ પણ સમયે વાતચીત કરવાનો અથવા બેઠક યોજવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે.જોકે તે અંગે અત્યારે કશું કહેવુ વધારે પડતુ હશે.બંને દેશોના રાષ્ટ્રપતિને જો યોગ્ય લાગે તો બેઠક યોજાવાની શક્યતા છે.યુક્રેન પર હુમલો કરવાની રશિયાની કોઈ યોજના નથી.
અમેરિકા અને રશિયાના આ નિવેદનો બાદ 11 જ કલાકમાં પુતિને દેશને સંબોધન કરીને યુક્રેનના બંને શહેરોને સ્વતંત્ર જાહેર કરવાની સાથે સાથે રશિયન સેનાને ત્યાં મોકલવાનુ એલાન કરી દીધુ હતુ.
આમ અમેરિકા સાથે બેઠક યોજવાની વાતો વચ્ચે રશિયાએ પોતાની પહેલી ચાલ ચાલી દીધી હતી.જેમાં અમેરિકા માત ખાઈ ગયુ છે.
અમેરિકા હવે લશ્કરી કાર્યવાહીનો જવાબ કેવી રીતે આપે છે તે જોવાનુ રહે છે.