24મી ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે, મુખ્યમંત્રી ઓનલાઈન લોકોની ફરિયાદ સાંભળશે


ગુરૂવારે બપોરે 3 કલાકે આ સ્વાગત કાર્યક્રમ યોજવાનો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારને તા.24મી ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાના ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગાંધીનગર ખાતે અરજદારોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે. તેમજ તેમની સમસ્યાના યોગ્ય ઉકેલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરશે. રાજ્યના નાગરિકો-જનતા જનાર્દનની ફરિયાદો રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સંવાદ-માર્ગદર્શન દ્વારા નિવારણનો આ “સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લીક ગ્રિવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી” (SWAGAT) સ્વાગત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમિયાન 2003થી શરૂ કરાવેલો છે.
આ ‘સ્વાગત’ કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી નાગરિકોની ફરિયાદો રજૂઆતો પ્રત્યક્ષ સાંભળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ-2 ના ભોંયતળિયે અદ્યતન ટેક્નોલોજી-સુવિધાથી સજ્જ વિશાળ બેઠક ક્ષમતા સાથેના નવનિર્મિત સ્વાગત કક્ષમાં ગુરૂવારે બપોરે 3 કલાકે આ સ્વાગત કાર્યક્રમ યોજવાનો છે.
મુખ્યમંત્રી આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ બાદ જિલ્લા કક્ષાએથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયેલા જિલ્લા અધિકારીઓનું માર્ગદર્શન પણ કરશે. કોરોનાની વૈશ્વિક મહામારીના સંક્રમણને કારણે મુલતવી રહેલો આ રાજ્ય સ્વાગત કાર્યક્રમ લાંબા અંતરાલ બાદ હવે આગામી ગુરૂવાર તા.24મી ફેબ્રુઆરીએ ફરી યોજાઇ રહ્યો છે.