તિરુપતી દેવસ્થાનનું મંદિર ટુંક સમયમાં મુંબઇમાં બંધાશે


દુનિયાભરના ભાવિકોના શ્રદ્ધાસ્થાન સમાન
બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં યાત્રાળુ માટે માહિતી કેન્દ્ર
દુનિયાભરના ભાવિકોના શ્રદ્ધાસ્થાન સમાન તિરુમલા તિરુપતિ દેવસ્થાન તરફથી ટુંક સમયમાં મુંબઇ અથવા નવી મુંબઇમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ દેવસ્થાનને મુંબઇ અથવા નવી મુંબઇમાં પાંચથી દસ એકર જમીન ફાળવવાની ખાતરી આપી છે. એટલે તિરુપતી દેવસ્થાનના પદાધિકારીઓ સ્થળ નક્કી કરવા માટે મુંબઇ આવી પહોંચશે.
અગાઉની સરકારે તિરુપતી દેવસ્થાનને બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં એક હજાર ચોરસ ફૂટ જગ્યા આપી હતી. આ જગ્યાએ માહિતી કેન્દ્ર ઉભું કરી નવી જગ્યાએ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. ગઇ કાલે તિરુમલા તિરુપતી દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ સુબ્બા રેડ્ડી તરફથી મુંબઇમાં ભવ્ય મંદિર બાંધવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં ફાળવવામાં આવેલો પ્લોટ નાનો હોવાથી તેને પરત કરી દેવાનું પહેલાં વિચારાયું હતું. પરંતુ પછી આ જગ્યાએ યાત્રાળુઓની સહાય માટે માહિતી કેન્દ્ર ઉભું કરવાનું નક્કી થયું હતું.