ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટનો મોટો ઝટકો, હાઇકોર્ટેના ચુકાદા પર સ્ટે આપવાનો SCનો ઈનકાર

સુપ્રીમકોર્ટે લવ-જેહાદ કાયદા પર રાહત મળવાની આશા રાખીને બેઠેલી ગુજરાત સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમકોર્ટે હાઈકોર્ટના આદેશની કેટલીક જોગવાઈઓ પર પ્રતિબંધ લગાવવાથી ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે તે હાઈકોર્ટેના ચુકાદામાં દખલ ન કરી શકે. જોકે સુપ્રીમકોર્ટે મામલાનું પરીક્ષણ કરવા કહ્યું છે.
તથ્યની ચકાસણી કર્યા સિવાય FIR ન થઈ શકે
સુપ્રીમકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ઈસ્યુ કરી છે. આ પહેલાં હાઈકોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી એ વાત સાબિત થતી નથી કે છોકરીને લાલચ આપીને ફસાવવામાં આવી છે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિની વિરુદ્ધ લવ-જેહાદ કાયદા અંતર્ગત FIR ન નોંધી શકાય.
ગત વર્ષે લવ-જેહાદ રોકવા કાયદો લાગુ કરાયો
ગત વર્ષે ઓગસ્ટમાં લવ-જેહાદવિરોધી કાયદાને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે લવ- જેહાદ કાયદાઓની કેટલીક ધારાઓને લાગુ કરવા બાબતે મનાઈ ફરમાવી હતી. હાઈકોર્ટે આ અરજી જમિયત ઉલેમા-એ-હિન્દની અરજી પર સંભળાવ્યો હતો. જમિયતે આ કાયદા પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. ગુજરાત સરકારે 15 જૂન 2021ના રોજ કથિત લવ-જેહાદને રોકવા માટે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા(અમેન્ડમેન્ટ) અધિનિયમ 2021ને લાગુ કર્યો હતો.

બળ કે છેતરપિંડીનો પુરાવો મળવો જરૂરી
ગુજરાત હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે આ કાયદાની જોગવાઈઓ એવી વ્યક્તિઓ પર લાગુ ન થઈ શકે, જેમના ઈન્ટર-રિલિજિન લગ્નમાં બળ કે છેતરપિંડીનો કોઈ પુરાવો મળ્યો ન હોય. કોર્ટે વધુમાં નોંધ્યું કે જ્યાં સુધી એ સાબિત થઈ શકતું નથી કે છોકરીને લાલચ આપીને ફસાવવામાં આવી છે ત્યાં સુધી કોઈ વ્યક્તિની વિરુદ્ધ FIR ન નોંધી શકાય.
કોર્ટે એક અરજીના જવાબમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો
કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે સ્વતંત્ર સહમતી અને કોઈપણ પ્રકારના પ્રલોભન કે છેતરપિંડી વગરના ઈન્ટર-રિલિજન લગ્નને ગેરકાયદે રીતે ધર્મપરિવર્તનના ઉદેશ સાથેના લગ્ન ન કહી શકાય. કોર્ટે એક અરજીના જવાબમાં વચગાળાનો ચુકાદો આપ્યો હતો