અમદાવાદની SVP હોસ્પિટલ સૌથી પહેલી પેપરલેસ હોસ્પિટલ બનશે, દર્દીઓની તમામ વિગતો હવે મોબાઈલ પર મેળવી શકશે


- હોસ્પિટલની વેબસાઈટ www.svphospital.com પર પેશન્ટ પોર્ટલ શરૂ કરાયું
- બલ્ડ રીપોર્ટ, એકસ રે-સોનોગ્રાફી-સીટી સ્કેન એમ.આર.આઈ. રીપોર્ટ, તેઓના બિલો તથા ડીસચાર્જ સમરી સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી, દાખલ થયેલા તેમજ સારવાર મેળવતાં તમામ દર્દીઓને તેઓના લેબોરેટરી, રેડીયોલોજી ડાયાગ્નોસ્ટિક રીપોર્ટ બિલ તથા ડિસ્ચાર્જ સમરી તેઓના મોબાઇલમાં જ મળી રહે તે માટે પેશન્ટ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ સેવાને કારણે દર્દીને તેના તમામ રીપોર્ટ પોતાના મોબાઇલોમાં જ મળી જશે તથા તેને સાચવવાની અને જરૂર પડે શોધવાની મુશ્કેલીનો સામનો નહી કરવો પડે. સેકન્ડ ઓપીનીયન કે અન્ય સલાહ માટે પણ દર્દી તેને ફોરવર્ડ કરી માર્ગદર્શન મેળવી શકશે. SVP હોસ્પિટલ જે સરકારી જનરલ હોસ્પિટલો પૈકી આ સેવા શરૂ કરનાર પ્રથમ હોસ્પિટલ છે.
ડિસ્ચાર્જ સમરી સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે
આ સેવા મેળવવા માટે સૌ પ્રથમ દર્દીએ એસ.વી.પી. હોસ્પિટલની વેબ સાઇટ (www.svphospital.com) પર જઈ પેશન્ટ પોર્ટલ ખોલવાનું રહેશે અને SIGN IN માં SVP હોસ્પિટલ ખાતે પોતાનો રજીસ્ટર્ડ થયેલો મોબાઇલ નંબર નાંખવાનો રહેશે. જેથી તેઓને એક OTP મળશે અને મોબાઇલ નંબર હેઠળ રજીસ્ટર્ડ થયેલ તમામ દર્દીઓના બલ્ડ રીપોર્ટ, એકસ રે- સોનોગ્રાફી-સીટી સ્કેન એમ.આર.આઈ. રીપોર્ટ, તેઓના બિલો તથા ડિસ્ચાર્જ સમરી સહિતની તમામ વિગતો ઉપલબ્ધ થશે.
ગો ગ્રીન અને વૃક્ષો બચાવોના સિધ્ધાંતને અમલી બનાવતી સદરહુ સેવાના કારણે રીપોર્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતાં કાગળોની પ્રિન્ટ ઓછી થવા પામશે અને સૌથી વધુ તેને સાચવવા, જરૂર પડે ત્યારે શોધવા ની કડાકૂટમાંથી છૂટકારો થવા પામશે તથા એકી સાથે તમામ સમયના રીપોર્ટ મળી રહેતાં તેની સરખામણી કરવી પણ તબીબઓ માટે સુલભ થઈ પડશે કે જેથી રોગનું નિદાન અને દર્દીની પરિસ્થિતિનો સાચો કયાસ ઝડપથી કાઢી શકાશે. જનરલ હોસ્પિટલોના દર્દીઓને આ પ્રકારની પેશન્ટ ફ્રેન્ડલી અને મોબાઇલ પર જ રીપોર્ટ, હોસ્પિટલના બિલો અને ડિસ્ચાર્જ સમરી પૂરી પાડવામાં એસ.વી.પી. હોસ્પિટલ પ્રથમ હોસ્પિટલ બની છે.