વર્ચ્યુઅલ ગેમ્બલિંગ:મોબાઈલમાં તીન પત્તી અને લુડો જેવી ગેમ્બલિંગ ગેમ રમશો તો બે વર્ષની સજા થશે, સરકાર કાયદો લાવશે


- ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગ વેબસાઇટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે
- ગેમની વસૂલીના કારણે ક્રિમિનલની એક ગેંગ બનવા લાગી છે
ગુજરાતમાં ઓનલાઈન જુગારને ગેમ્બલિંગ એક્ટ હેઠળ લાવવા અને જેલની સજા વધારીને 2 વર્ષ સુધીની કરવા માટે રાજ્યના લૉ કમિશને ગુજરાત સરકારને ભલામણ કરી છે. આજથી એક વર્ષ અગાઉ હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને નિર્દેષ કર્યો હતો કે,ગુજરાતમાંથી ઓનલાઇન ગેમિંગના નામે રમાતા જુગારની વેબસાઈટ ચાલતી હોય તો આવી પ્રવૃત્તિ સરકાર બંધ કરાવે. તેમજ જો કોઇ વેબસાઈટ ઓનલાઇન જુગાર રમવાની પ્રવૃત્તિમાં સંકળાયેલી હોય તો તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી રાજ્ય સરકારે પણ હવે આ બાબતે ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.
ગુજરાતમાં જુગાર પર પ્રતિબંધ છે
ગુજરાતમાં જુગાર પર પ્રતિબંધ છે પણ હવે ટેકનોલોજીના વધતા વપરાશની સાથે મોબાઈલની સંખ્યા પણ ઉતરોતર વધી રહી છે. જેના કારણે ઓનલાઈન ગેમ્બલીંગનું દુષણ પણ વધતું જાય છે. આવી ઓનલાઈન જુગારની ગેમની લતમાં ગુજરાતના યુવાનો અને બાળકો પણ ફસાઈ રહ્યાં છે, આ લતના કારણે યુવાધન ગુનાખોરી તરફ પણ જતા હોવાના અનેક તારણો અને કિસ્સાઓ સામે આવી રહ્યાં છે.બાળકો અને યુવાનોમાં આજકાલ સામાન્ય ‘રમી’ની ગેઈમ હવે સરેરાશ 10 માંથી 3 અપલોડ થયેલી દેખાય છે. આ ગેમની વસુલીના કારણે ક્રિમીનલની એક ગેંગ બનવા લાગી છે.

જેલની સજા 2 વર્ષ સુધીની કરવા માટે ભલામણ
હાલ આ ઓનલાઈન ગેમીંગ જે જુગારવૃતિ જેવા ફીચર્સ ધરાવે છે. તેને આઈટી એકટ હેઠળ જ આવરી લેવાતી હતી પણ ગુજરાતના હાલના ગેમ્બલીંગ એકટ હેઠળ પણ ઓનલાઈન ગેમીંગને લાવવા માટે ખાસ કાનૂન લાવવાની વિચારણા ચાલી રહી છે.હાલ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલીંગ એકટ (જુગાર વિરોધી ધારો ) 1887 નો છે, પરંતુ અનેક વખત તેમાં સુધારા વધારા થાય છે ,તે હેઠળ જુગાર રમતા ઝડપાતા વ્યક્તિને છ માસની જેલ સજાની જોગવાઈ છે, પણ ગુજરાત સ્ટેટ લો કમીશને રાજય સરકારને સુપ્રત કરેલા એક અહેવાલમાં ઓનલાઈન ગેમ્બલીંગ (જુગાર)ને પણ વપરાશ ગણીને આ કાનૂન હેઠળ લાવવા અને જેલ સજા વધારીને 2 વર્ષ સુધીની કરવા માટે ભલામણ કરી છે.
સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલાં સરકારે કાર્યવાહી કરવી જરૂરીઃ હાઈકોર્ટ
અગાઉ ઓનલાઇન ગેમિંગ અને ગેમ્બલિંગ વેબસાઇટ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હોય તે રીતે શરૂ થયું હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એવા નિર્દેશ પણ આપ્યા હતાં કે, ઓનલાઇન ગેમિંગના નામે જો મની લોન્ડરિંગ કે વિદેશી ફંડની હેરાફેરી કરવામાં આવી રહી હોય તો તેની સામે પણ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. એ સમયે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કાયદાની છટકબારી શોધી વર્ચ્યુઅલ સ્પેસમાં અને મોબાઇલ એપ્લિકેશન થકી જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. ફરિયાદ અરજીનો નિકાલ કરતી વખતે હાઇકોર્ટ નોંધ્યું હતું કે સ્થિતિ અંકુશ બહાર જાય તે પહેલાં સરકારે કાર્યવાહી કરવી જરૂરી જોઈએ.