દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ:સુરત-દહેજમાં કાર્યરત ABG શીપયાર્ડનું 22,842 કરોડનું મહાકૌભાંડ, CBIએ કંપની, તેના ડિરેક્ટર્સ સામે ફરિયાદ નોંધાવી

- કંપનીએ 2012-17ના ગાળામાં 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓના ફંડનો વ્યાપક દુરુપયોગ કર્યો
- ICICI બેંકના 7,089 કરોડ, IDBI બેંકના 3,634 કરોડ, SBIના 2,925 કરોડનું કંપનીએ ફુલેકું ફેરવ્યું
- કંપનીના CMD રિશિ અગ્રવાલ, ડાયરેક્ટર એસ. મુથુસ્વામી સહિત પાંચથી વધુ સામે ફરિયાદ

એબીજી ગ્રુપની કંપની એબીજી શિપયાર્ડ સામે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI)એ ગુનો દાખલ કર્યો છે. સીબીઆઈએ એબીજી શિપયાર્ડ સામે 22,842 કરોડના નાણાકિય ગેરરીતિ આચરી હોવાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.બેન્કો સાથે સૌથી મોટું કૌભાંડ આચરાયું હોવાની સીબીઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેસમાં નોંધવામાં આવ્યું છે કે કંપની દ્વારા 2012-17 દરમિયાન જે નાણાં મળ્યાં તેનો ગેર ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિશ્વાસભંગ સહિતના ગુના નોધાયા
કંપનીના તત્કાલિન સીએમડી રિશિ અગ્રવાલની સાથે સાથે તત્કાલિન એક્જિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિનીકુમાર, સુશિલકુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય કંપની એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના નામો પણ એફઆઈઆરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.2012-17ના સમયગાળા દરમિયાન આ કેસના આરોપીઓએ એકસાથે મળીને ફંડને બીજે વાપરવાથી લઈને નાણાનો ગેરઉપયોગ અને વિશ્વાસભંગ સહિતનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે.

28 બેંકો ભોગ બની
અહેવાલ મુજબ 28 જેટલી બેંકો અને નાણાકીય સંસ્થાઓ કથિત કૌભાંડનો ભોગ બની છે. સીબીઆઈની એફઆઈઆરમાં જણાવાયું છે કે, આ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ જે હતુ માટે આપવામાં આવ્યું હતું તેના કરતાં અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવી છે. બેંકનું કહેવું છે કે, કંપની પર રૂ. 2,925 કરોડનું દેવું છે. અન્ય બેંકોમાં ICICI બેંક (રૂ. 7,089 કરોડ), IDBI બેંક (રૂ. 3,634 કરોડ), બેંક ઓફ બરોડા (રૂ. 1,614 કરોડ), PNB (રૂ. 1,244 કરોડ અને IOB (રૂ. 1,228 કરોડ)નો સમાવેશ થાય છે.

સુરત દહેજમાં કંપનીના યાર્ડ
“મેસર્સ અર્ન્સ્ટ એન્ડ યંગ એલપી દ્વારા એપ્રિલ 2012 થી જુલાઈ 2017ના સમયગાળા માટે 18.01.2019 ના રોજ સબમિટ કરાયેલ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપીઓએ સાથે મળીને ભંડોળના નાણાનો ગેરઉપયોગ કરીને ગુનાહિત ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે.બેંક દ્વારા જે હેતુ માટે ભંડોળ બહાર પાડવામાં આવે છે, તે હેતુ સિવાયના અન્ય હેતુઓ માટે નાણાનો ઉપયોગ થયાનું એફઆઈઆરમાં નોધાયું છે. મહત્વપૂર્ણ છે કે, એબીજી શિપયાર્ડ લિમિટેડ જહાજ નિર્માણ અને સમારકામ માટે જાણીતું છે. તે ગુજરાતના સુરત અને દહેજમાં તેના યાર્ડ ધરાવે છે.