એલન મસ્કની કંપની માણસના મગજમાં ચિપ ફિટ કરવા માંગે છે, વાંદરાઓ પર ટ્રાયલના આવ્યા ખતરનાક રિઝલ્ટ

દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપની ન્યુરાલિન્કને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે.
જાત જાતના અખતરા કરવા માટે જાણીતા એલન મસ્કની કંપની માણસના મગજમાં ચિપ ફિટ કરવા માટે પ્રયત્નો કરી રહી છે.જેથી મગજને પણ કંટ્રોલ કરી શકાશે.
એક અહેવાલ પ્રમાણે હાલમાં વાંદરાઓ પર તેનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે.જેમાં 23 વાંદરાઓના દિમાગમાં ન્યુરોલિન્ક કંપનીની ચિપ લગાવાઈ હતી.આ પૈકીના 15 વાંદરાઓના મોત થઈ ગયા છે.આ ચિપ 2017 થી 2020 દરમિયાન ફિટ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રાણીઓની ક્રુરતા સામે લડતી સંસ્થા ફિઝિશિયન્સ કમિટિ ફોર રિસ્પોન્સિબલ મેડિસિન ગ્રુપ દ્વારા આ આરોપ મુકવામાં આવ્યો છે.જેમાં કહેવાયુ છે કે, વાંદરાઓની ખોપરીમાં કાણુ પાડીને ચિપ લગાવાઈ હતી.જેનાથી તેમને બ્લડ ઈન્ફેક્શન થઈ ગયુ હતુ અને તેમના મોત થયા હતા.
અમેરિકાની સરકાર સમક્ષ આ પ્રયોગને લઈને મસ્કની કંપની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.ચિપ લગવવાનો પ્રોજેક્ટ કંપનીએ 2016માં શરુ કર્યુ હતો.જેની પાછળનો ઈરાદો લોકોને મગજ પરની ગંભીર ઈજા કે કરોડરજ્જુમાં થતી ઈજામાંથી રિકવર કરવાનો હતો.સાથે સાથે જો આ પ્રયોગ સફળ થયો તો માણસના મગજને ઈન્ટરનેટ સાથે લિન્ક કરી શકાશે તેમજ ડિપ્રેશનની સારવારમાં પણ તે ઉપયોગી બનશે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, આગામી દિવસોમાં માણસ પર તેની ટ્રાયલ શરુ થવાની છે પણ વાંદરાઓ પરની ટ્રાયલના પરિણામ જોઈએ તેવા નથી મળ્યા ત્યારે હ્યુમન ટ્રાયલ પર સવાલો સર્જાવા સ્વાભાવિક છે.