પ્રદૂષણ મામલે GPCBની ઝાટકણી:જો બોર્ડ એલર્ટ નહીં બને તો બીજા 5 વર્ષ નીકળી જશે, હજુ પણ દૂષિત પાણી નદીમાં ઠલવાય છે, જે નિરાશાજનક બાબત છે: હાઇકોર્ટ

સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર મ્યુનિ. કોર્પોરેશન અને GPCBની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હજુ પણ ખાનગી સોસાયટીઓના પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોવાનું કોર્ટમાં નિવેદન આપ્યું છે. જેને લઇ જસ્ટિસ જે.બી.પારડીવાલા અને વૈભવી નાણાવટી ખંડપીઠે કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં નિરીક્ષણ દરમિયાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓને યુનિટમાં બંધ કરી દેવામાં આવ્યા હોવા નિવેદન આપ્યું છે.
હજુ કેટલીક સોસાયટીનું દૂષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાય છે
સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે પાછલા કેટલાક સમયથી ગુજરાત હાઇકોર્ટની દરમિયાનગીરી બાદ નિયંત્રણ આવ્યું છે. તેમ છતા પણ હજુ કેટલીક સોસાયટીઓનું દુષિત પાણી સાબરમતી નદીમાં ઠલવાતું હોવાનું સામે આવતા જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટી ખંડપીઠે કોર્પોરેશનને પૂછ્યું હતું કેસ GPCBએ આ બાબતે તેમનું ધ્યાન દોર્યા બાદ શું કાર્યવાહી કરી? તે જણાવો.
માત્ર આટલું જ નહીં, પરંતુ હાઈકોર્ટે કોર્પોરેશનને એ પણ કહ્યું છે, ‘તમારે જે કરવું હોય તે કરો, જ્યાંથી ફંડ લાવવું હોય ત્યાંથી લાવો, અમે પણ સરકારને આ અંગે મદદ કરવા કહીશું, પરંતુ કથળી ગયેલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થિતિ સુધારો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને હાઇકોર્ટની ટકોર
આ ઉપરાંત હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ટકોર કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી બોર્ડ એલર્ટ નહીં થાય, પગલાં નહીં લે ત્યાં સુધી નિરાકરણ નહીં આવે. આમ ને આમ બીજા પાંચ વર્ષ વીતી જશે પરંતુ પરિણામ નહીં આવે’. CETPને સુધારવાની કામગીરી નેરીને સોંપવામાં આવી છે, જોકે તેનો રિપોર્ટ હજુ સુધી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં ન આવતા કોર્ટે કહ્યું કે, નેરીને 85 લાખ ચૂકવ્યા છે, તેમ છતાં હજુ સુધી તેનો રિપોર્ટ કેમ નથી આવ્યો?’
દાણીલીમડામાં 2 યુનિટના કનેક્શન કાપ્યા બાદ પણ ચાલુ હતા
માત્ર આટલું જ નહીં પરંતુ GPCBએ કોર્ટ સમક્ષ મહત્વની વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે, દાણીલીમડા વિસ્તારમાં તેમના કર્મચારીઓ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે 2 યુનિટ કનેક્શન કાપ્યા બાદ પણ કાર્યરત અવસ્થામાં હતા. આ દરમિયાન એક યુનિટ દ્વારા તેમની કામગીરીમાં ખલેલ પહોંચાડી ગાળો બોલવામાં આવી હતી અને તેમને બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં પોલીસ બોલાવતા તેમને છોડવામાં આવ્યા હતા. જે મામલે તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતની ગંભીર નોંધ લેતા જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે,’ તેઓ ટોરેન્ટ પાવરને આ એકમનું વીજળી કનેકશન કાપી નાખવા માટે પણ કહેશે, તેને સીલ મારી દેવામાં આવે.