WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "

ભાગેડુ નીરવ મોદીને ટૂંક સમયમાં જ ભારત લવાશે:બ્રિટનના ગૃહ મંત્રાલયે PNB કૌભાંડના આરોપીના પ્રત્યાર્પણની મંજૂરી આપી, બ્રિટિશ કોર્ટે કહ્યું- તેના વિરૂદ્ધ પૂરતાં પુરાવાઓ

PNB કૌભાંડના વોન્ટેડ અને હીરાનો વેપારી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને બ્રિટનના ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દિધી છે. ત્યારે હવે ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવામાં આવશે તે સ્પષ્ટ છે. ફેબ્રુઆરીમાં બ્રિટનના વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં નીરવના પ્રત્યાર્પણ પર અંતિમ સુનાવણી થઈ હતી. કોર્ટે પણ નીરવને ભારત મોકલવાની મંજૂરી આપી દિધી હતી.

જજ સેમ્યુઅલ ગુજીએ કહ્યું હતું કે નીરવ મોદીને ભારતમાં ચાલી રહેલા કેસમાં જવાબ આપવો પડશે. તેઓએ માન્યું કે નીરવ મોદી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ છે. 2 વર્ષ ચાલેલી કાયદાકીય લડાઈ પછી આ નિર્ણય લેવાયો હતો.

કોર્ટે કહ્યું હતું- ભારતમાં નીરવને ન્યાય મળશે
જજે કહ્યું કે નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નહીં થાય કે તેને ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ ઠીક ન હોવાની દલીલને પણ ફગાવી દિધિ છે. કહ્યું કે એવું નથી લાગતું કે તેઓને આ પ્રકારની કોઈ પરેશાની છે. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર-12ને નીરવ માટે યોગ્ય ગણાવી છે. 19 માર્ચ, 2019નાં રોજ પકડાયેલા નીરવ મોદી પર મની લોન્ડ્રિંગ, પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ડરાવવાના ષડયંત્રનો આરોપ છે.

નીરવ મોદી જે જેલમાં રહેશે, ત્યાં શું શું થશે?
મહારાષ્ટ્રના પ્રિઝન ડિપાર્ટમેન્ટે 2019માં જ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં બેરેક નંબર-12 અંગે જાણકારી આપી હતી. પ્રિઝન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે નીરવ મોદીને જ્યાં રાખવામાં આવશે તે જગ્યા હાઈ સિક્યોરિટીવાળી હશે અને ત્યાં તેને મેડિકલ ફેસિલિટી પણ મળશે. ઓગસ્ટ 2020માં વેસ્ટમિન્સ્ટર કોર્ટે બેરેક નંબર-12નો વીડિયો પણ જોયો હતો. જે બાદ જ કોર્ટે નીરવ મોદીને ભારત લાવવાની મંજૂરી આપી છે.

કોર્ટે કહ્યું કે નીરવ મોદી બેરેક નંબર-12માં સંપૂર્ણપણે સેફ રહેશે. નીરવની દલીલ હતી કે તેની માનસિક સ્થિતિ ઠીક નથી અને જો તેને ભારત મોકલવામાં આવશે તો તે સુસાઈડ કરી લેશે. આ મુદ્દે કોર્ટે કહ્યું કે બેરેક નંબર-12માં નીરવના સુસાઈડ કરવાના કોઈ જ ચાન્સ નથી, કેમકે ત્યાં તેની હેલ્થનું પુરેપુરં ધ્યાન રાખવામાં આવશે.